GSEB દ્વારા વિજ્ઞાન પ્રવાહ ના નિયમિત/ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 14 માર્ચ થી 25 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થઇ હતી. જેના પરિણામ ક્યારે આવશે તે અંગેના સમાચાર જાણવા મળ્યા છે જે નીચે મુજબ તમે વાંચી શકો છો.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરિણામ તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને 5.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
ધો.12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.
આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો, પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પેપર ચકાસણી કરવા જણાવ્યું હતું. પેપર ચકાસણીમાં ધણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી. ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપર ચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.