ગુજરાતમાં પેપર ફૂટવાની વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે સરકાર કડક કાયદો બનાવવાની સાથે પરીક્ષાની પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરી શકે છે. આ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે.
પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદો બનાવવા માટે આગામી બજેટ સત્રમાં બીલ લાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પેપર લીક કરનાર અને પેપર લીકની ઘટના સાથે સંકાળેયેલા લોકો સામે કડક પગલા ભરાય અને તેમને સજા મળે તેવી જોગવાઈઓ રખાશે. આ સિવાય ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી ભરતી પણ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી શકે છે.
ભરતી પરીક્ષાઓની ગેરરીતિ રોકવા સરકાર એક્શન?
પેપર લીકની ઘટના રોકવા માટે નવો કાયદો લાવવાની સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પાછલા ઘણાં સમયથી નાની-મોટી પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની રહી છે, આ કારણે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સરકારની છબી પણ ખરાબ થઈ રહી છે.
વર્ગ-3ની પરીક્ષાઓ માટે લેવાઈ શકે છે મોટો નિર્ણય
જેમાં વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જ ઓથોરિટીની રચના કરવાની સરકાર દ્વારા તૈયારી કરાઈ રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અલગ-અલગ સંસ્થાના બદલે એક જ સંસ્થા દ્વારા તમામ વિભાગોની વર્ગ-3ની પરીક્ષા લેવાશે. જેમાં એવી રચના કરવામાં આવી શકે છે કે એક મુખ્ય સંસ્થા દ્વારા પરીક્ષા યોજીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવે.
ગાંધીનગર: તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાશે
પ્રથમ તબક્કામાં પાસ થનારા ઉમેદવાર આપી શકશે બીજી પરીક્ષા
ઉમેદવારની સંખ્યામાં વધારાને કારણે સરકારની વિચારણા
નવી ભરતી પ્રક્રિયામાં ચોક્કસ પોલીસી બનાવવાની તૈયારી#GUJARAT #exam #news
— News18Gujarati (@News18Guj) February 17, 2023
નવી વિચારણા ચાલી રહી છે તેમાં એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે નગરપાલિકાઓ દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેને પર રાજ્ય સરકાર પોતાના હસ્તક લઈને ભરતી પ્રક્રિયા હાથ ધરી શકે છે. નગરપાલિકામાં ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ અટકાવવા માટે આ મોટો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. હાલ આ મામલે નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિને અટકાવવા માટે આગામી બજેટ સત્રમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે