પશુપાલકોને મળી રહી છે ₹5 લાખ સુધીની સહાય, જાણો કઈ રીતે?

સ્વરોજગારી માટે જે મિત્રો પશુપાલન કરી રહ્યા છે કે પશુપાલન શરૂ કરવાનું વિચારી રહ્યા છે. તેમના માટે આજે ડેરી ફાર્મ સહાય યોજના ખૂબ જ લાભદાયી નીવડશે. ગુજરાત સરકારની આ યોજના થકી પશુપાલક મિત્રો દુધાળા પશુઓનું ડેરી ફાર્મ સ્થાપવા માટે સહાય મેળવી શકે છે.

૧૨ દુધાળા પશુઓ માટેની ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ વિવિધ ચાર પ્રકારની સહાય મળવા પાત્ર છે. આ ચારેય પ્રકારે લાભાર્થીને કુલ પાંચ લાખ સુધીની સહાય મળી શકે છે. ડેરી ફાર્મ સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી આર્ટીકલ માં આપેલ છે.

૧૨ દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સહાય યોજના

ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનને વેગ આપવા માટે તથા પશુપાલક મિત્રોને સ્વ નિર્ભર બનવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018-19 માં ડેરી ફાર્મ સહાય યોજના શરૂ કરવામાં આવી. દર વર્ષે ગુજરાત રાજ્યના ૧૫૦૦ થી વધુ પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ પશુપાલકને પશુઓની ખરીદી પર વ્યાજ સહાય, કેટલસેડ બનાવવા માટે સહાય, પશુ વીમા માટે સહાય અને વિવિધ સાધનો ખરીદવા માટે સહાય મળશે.

ડેરી ફાર્મ યોજના હેઠળ મળવાપાત્ર સહાય

  • ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય મળશે.
  • પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫% મહત્તમ રૂ.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦% મહત્તમ રૂ. ૫૧,૮૪૦/- સહાય મળશે.
  • કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ. ૨.૨૫ લાખ સહાય મળશે.
  • ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૮,૦૦૦/-, રૂ. ૯,૦૦૦/-, અને રૂ. ૩૩,૭૫૦/- સહાય તથા ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૨૧,૬૦૦/-, રૂ. ૧૦,૮૦૦/- અને રૂ. ૪૦,૫૦૦/- સહાય મળશે.

12 દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના દરેક પશુપાલક મિત્રો લઈ શકે છે.

પરંતુ આ યોજના માટે કેટલીક શરતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:

  • પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા પાસેથી ધિરાણ મેળવેલ હોવું જોઇએ.
  • પશુપાલકે ૧૨ (બાર) દુધાળા પશુઓ (ગાય / ભેંસ) ની નવી ખરીદી તથા ડેરી ફાર્મનું નિયત માપદંડ મુજબ થયેલ નવા બાંધકામ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, રીનોવેશન અને રીપેરીંગ માટે યોજના હેઠળ સહાય મળવા પાત્ર નથી.
  • લાભાર્થી પોતાની માલિકીની જમીન અથવા વારસાઈ હક અથવા ભોગવટાની જમીન ધરાવતા હોવા જોઇએ.
  • લાભાર્થી જમીન ધરાવતા ન હોય તો ભાડાની જમીન પર ઓછામાં ઓછા ૭ (સાત) વર્ષના ભાડા કરાર પર પણ ડેરી ફાર્મની સ્થાપના કરી શકશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે પશુ ખરીદી, ડેરી ફાર્મનું બાંધકામ તથા પશુઓનો વિમો, આ ત્રણ કોમ્પોનન્ટ ફરજીયાત છે.
  • ઇલેક્ટ્રીક ચાફ કટર, મીલ્કીંગ મશીન તથા ફોગર સીસ્ટમ પૈકી જરૂરિયાત મુજબના કોમ્પોનન્ટની સહાય મેળવી શકાશે.

ડેરી ફાર્મ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • રેશનકાર્ડ/લાઇટબીલ/બેન્ક પાસબુકનું સરનામા વાળુ પાનું (રહેઠાણના પુરાવાની નકલ તરીકે)
  • આધારકાર્ડ /ચૂંટણી કાર્ડ /ડ્રાયવિંગ લાયસન્સ / કિસાન ક્રેડીટ કાર્ડ
  • જાતિનો દાખલો (ફક્ત અનુ. જાતિ, અનુ જન જાતિ માટે જ)
  • બેંક પાસબુકની નકલ / રદ કરેલ ચેક
  • બેંક લોન મંજૂરી આદેશની નકલ (Loan sanction Letter)
  • આકારણી પત્રક / ૭-૧૨ અને ૮ અ ઉતારા / જમીન અંગેના ભાડા કરાર – લીઝની નકલ
  • અરજદારનું નિયત બાંહેધરી પત્રક

12 દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સહાય ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજના માટે ઓનલાઈન ફોર્મ i-khedut પોર્ટલ પર ભરાય છે. નજીકના CSC સેન્ટર કે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ડેરી ફાર્મ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

પશુ સહાય યોજના
પશુ સહાય યોજના

Leave a Comment

error: Content is protected !!