કેન્દ્ર સરકારમાં આજે બજેટ જાહેર કરવામાં આવ્યું, આ બજેટની અસર શેર માર્કેટ પર પણ જોવા મળી. ઘણા બધા શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળી છે. આ બધાની વચ્ચે આજે એક શેર 20% ના અપર સર્કીટ સુધી પહોચ્યો હતો.
અમે વાત કરી રહ્યા છીએ, HUDCO શેરો વિશે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના શેરો ગુરુવારે એટલે કે 1લી ફેબ્રુઆરીએ અપર સર્કિટ પર આવી ગયા હતા. 20%ના ઉછાળા પછી, કંપનીના શેરની કિંમત BSEમાં 207 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ શેરની કિંમતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખુબ જ ઝડપી વધારો જોવા મળ્યો છે. આજે આ શેર 52 અઠવાડિયાના High પર પહોંચી ગયો છે.
બજેટની જાહેરાતથી શેરોને મળી પાંખો
HUDCO કંપનીના શેરમાં આજે ઉછાળો આવવા પાછળનું કારણ નાણામંત્રીએ બજેટમાં કરેલી જાહેરાત છે. વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભાડા પર, ચાલમાં અને ઝૂંપડપટ્ટીમાં રહેતા મધ્યમ વર્ગ માટે એક યોજના લાવવામાં આવી રહી છે. જેની મદદથી તેઓ પોતાનું ઘર બનાવી શકશે. આ સમાચારથી કંપનીના શેરમાં તેજી આવી છે.
સરકાર પાસે છે 54.40% હિસ્સો
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં સરકારનો કુલ હિસ્સો 54.40 ટકા છે. સાથે સાથે જીવન વીમા નિગમ પાસે 8.9 ટકા હિસ્સો છે. કંપનીમાં કુલ જાહેર હિસ્સો 11.9 ટકા છે. અન્ય હિસ્સો 9.1 ટકા છે.
રોકાણકારોના પૈસા 1 વર્ષમાં થયા બમણા
ગયા વર્ષે 29 માર્ચે આ કંપનીના શેરની કિમત રૂ. 40.50 હતી. ત્યારથી, શેરના ભાવમાં 411 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ સ્ટોક 324 ટકા રિટર્ન આપ્યું છે. આ શેર માત્ર 3 મહિનામાં 173 ટકા વધ્યો છે. આ શેરમાં રોકાણ કરનાર લોકોને સારા પ્રમાણમાં રીટર્ન મળ્યું છે.
ખાસ નોંધ: આ રોકાણની સલાહ નથી, અમે શેરબજારમાં રોકાણ માટે સલાહ આપતા નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.